આજે વેહલી સવાર માં આંખ ઊઘડી ગઇ ને પછી રોજ ના કામ માં જ જોતરાઈ જવાનું પસંદ કર્યું પણ એ બધા માં ય કેમે ય કરી ને અમુક યાદો પીછો જ નહોતી છોડતી ... એ લંગડી પાયલી નું ઘર, એ બોરડીવાળું ભાવુડી નું ઘર, એ કેન્સરગ્રસ્ત મીનાક્ષીનું ઘર, શિતલી નું મોટું બદામ નું ઝાડ ને એક રૂપિયા ની ૪ બદામ, એકલા રહેતા એ તખું માં ની ઝુપડી કેવા એકદમ વૃદ્ધ?! ચશ્માંની અંદર રહેલી એ આંખો એ અત્યંત ભાવુકતા જાણે આજેય મારી સામે જુએ છે.
આ બધાથી આગળ જઇએ એટલે છેલ્લે આવતું ઘર. ત્યારે એ ઘર કેટલું એકલું લાગતું પણ આજે થાય છે કાશ આ બધું ન હોય ને માત્ર એ હોય.... એ લીંબુડી, એ પાછળ નો દરવાજો, સવાર ની ચા ભાખરી ની સોડમ ને બા. આજે પણ કેટલાં પ્રયત્નો છતાં મારી ચા માં ન તો એ સુગંધ ભળે છે કે એ સ્વાદ. અનહદ યાદ આવે છે... એ અનુ સાથે મોણપુરની સડક પર ઢળતી સાંજે દોડવેલી સાયકલ... બસ ચલાવ્યે જ જવાનું, કશું જ નહી કરવાની ને ક્યાંય ન પહોંચવાની ચિંતા વિના...
નિશાળ ત્યારે એકલા જીવન માં ચગળવા મળેલી એકદમ મીઠી ચોકલેટ જેવી લાગતી હતી. પાનખર ના એ દિવસો માં લીમડા નીચે ચાલતા ક્લાસ ને પીળા થય ને ખરી ગયેલા પાંદડા પર થતી નામ ની ચિતરામણ... આહ કેટલા સુખદ સંસ્મરણો છે. પણ એકદમ મૃત. આમાંનું કશું પણ પાછું મેળવવું શક્ય નથી. કલ્પના માત્ર બની રહી ગયેલ ભૂતકાળ ક્યારેક વાસ્તવિકતા થી ભાગવા કેટલું વ્યર્થ જોર કરે છે.
ના આમ નહી આમ જ હોવું જોઈએ નો ભાવ જ બધા દુઃખ નો ઉદભવ છે. બધું જ બરાબર છે... આમ પણ, તેમ પણ. ઈશ્વર ના ચરણો મા એ જ પ્રાર્થના છે કે જેટલું જીવન આપે એમાં એ ભાવની સમતા આપે. જેથી હું કોઈ ના દુઃખ નું કારણ ન બનું....
Excellent
ReplyDelete